'પાંચ પાંચવાર અરજી કરી પણ આવાસ મળતા નથી': વોર્ડ નંબર 2 અને 3ના સ્લ્મ વિસ્તારમાં સમસ્યાઓની ભરમાર, ઈન્દિરાનગરના રહીશોને નોટિસ અપાતા બેઘર થવાનો ડર

'પાંચ પાંચવાર અરજી કરી પણ આવાસ મળતા નથી':વોર્ડ નંબર 2 અને 3ના સ્લ્મ વિસ્તારમાં સમસ્યાઓની ભરમાર, ઈન્દિરાનગરના રહીશોને નોટિસ અપાતા બેઘર થવાનો ડર
Email :

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ પૂરજોશમાં જામ્યો છે ત્યારે ખાસ કરીને વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3ની રાજકીય લડત ભારે રસપ્રદ બની રહી છે. બને મુખ્ય પક્ષો એકબીજા પર વિકાસ અને વિનાશના આક્ષેપ પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે. ત્યારે આ રાજકીય ધમાસાણ વચ્ચે ન્યુ ગુજરાત ડિજિટલ ટીમ દ્વારા બંને વોર્ડની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે ઇન્દિરાનગર અને આદિવાડાના સ્થાનિકો સાથે સીધી વાતચીત કરવામાં આવી. આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જે હકીકતો બહાર આવી તેણે વિકાસના દાવાઓની પોલ

ખોલી નાખી છે. આ બંને સ્લમ વિસ્તારો ગાંધીનગર મહાનગરપાલિકાની હદમાં માત્ર નામ પૂરતા જ હોય તેમ લાગી રહ્યું છે. અહીં જમીની હકીકત એ છે કે, સ્થાનિક રહેવાસીઓ રોડ-રસ્તા, ગટર અને શુદ્ધ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે અને વિકટ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. 'પંદર દિવસથી ગટરો ઉભરાય છે પણ કોઈ જોવા આવતું નથી' આ અંગે વોર્ડ નંબર 2માં સમાવિષ્ટ આદિવાડા ગામના રસિકભાઈએ કહ્યું કે, આ પંદર દિવસથી ગટરો ઊભરાઈ રહી છે

અને કોઈ સામે જોતું નથી. અત્યારે અમે, છોકરાઓ,બૈરાઓ અને ઘરવાળા બધા જ ગંદા ગટરના પાણીમાં આવ-જા કરીએ છે. આ ગંદા પાણીમાં ચાલવાથી અત્યારે લોકોને બીમારીઓ થઈ રહી છે અને કોઈ આ સમસ્યા સામે જોતું નથી.આમ અમારે આટલી મોટી સમસ્યા છે. જ્યારે ધુળી બેને કહ્યું કે, સતત ગટરો ઊભરાય છે અને પાણીની ચકલિયોનું કોઈ ઠેકાણું નથી. આવાસ માટે પાંચ-પાંચ વાર ફોર્મ ભર્યા પણ મળતું નથી-મણિબેન જ્યારે વોર્ડ 3 ઇન્દિરાનગર એટલે કે સેનીટેશન ચેરમેન અંકિત

બારોટનો વિસ્તાર. જેઓ મનપા ચૂંટણી તો કોંગ્રેસની સીટ પરથી જીત્યા હતા. પરંતુ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ચેરમેન પદ સુધી પહોંચી ગયા. પરંતુ તેમના જ વોર્ડના ઘણાં ખરા વિસ્તારોમાં જ નર્કાગાર સ્થિતિ છે. આ અંગે ઇન્દિરાનગરમાં રહેતા કૈલાશબેન રાજપૂતે કહ્યું, અમે વર્ષોથી અહીં રહીએ છીએ અને અમારે હજી કોઈ સગવડ છે જ નહીં. અમે ક્યાં જઈએ છીએ અમે વિધવા બાઈ છીએ. બે-બે વખત અમારા ઘર તોડવા નોટિસો આવી ગઈ છે.હવે અમે સામાન લઈને ક્યાં

જઈએ? અમારે કોઈ આધાર નથી. જ્યારે મણીબેન પરમારે કહ્યું કે,તકલીફ તો સાહેબ બહુ બધી છે. તકલીફ એ છે કે અમે આ મકાનમાં ભાડે રહીએ છીએ.આજે બાવીસ વર્ષ થઈ ગયા અમારે ઇન્દિરાનગરમાં પરંતુ ફોર્મ ભરીએ તોય મકાન મળતું નથી. અમે ચાર-ચાર, પાંચ-પાંચ વખત ફોર્મ ભરીએ છીએ અને પૈસા પાછા આવે છે પણ ક્યાંય પાસ થતું નથી. જેને છે એને મલે છે અને જેને નથી એને નથી મળતું, તો અમારે જવાનું ક્યાં? ઈન્દિરાનગરના લોકોને દિવાળી

બાદ બેઘર થવાનો ભય જ્યારે બાબુભાઈ પરમારે કહ્યું કે,હું સેક્ટર 24, ઇન્દિરાનગરનો છું. હવે આ દિવાળી પછી આ મકાનોની નોટિસો આપેલી છે.દિવાળી પછી અમારા મકાનો બધા પડી જશે. હવે અમે તો રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવીએ છીએ. આ મોંઘવારીમાં અમે મકાન તો હવે લઈ શકવાના નથી.સરકારમાં ફોર્મ ચાર-ચાર પાંચ-પાંચ વખત અમે ભર્યા તોય છતાં અમને કોઈ મકાન મળ્યું નથી, બધા પૈસા પાછા આવે છે. ભાજપ સરકાર કે છે કે અમે ઘરે-ઘરે બધાને મકાન બનાવી

દેશું, મકાનો આપશું વાયદા બધાના કરે છે પણ કોઈના વાયદા હજી ફળ્યા નથી. બધા એમને એમ જ છે. હવે આવતી સરકાર નવી કોઈ કઈ સારું કરે અને મકાનોઅપાવે એવું કઈ કરે તો સારું છે. તો કિરણબેને કહ્યું કે, ચોવીસ કલાક ગટરો ઉભરાય રાખે છે. ચોખ્ખા પીવાના પાણીની કોઈ સગવડ નહીં. લોકો બીમાર પડી જાય તોય કોઈ જોવા આવતું નથી.તો હરેશ વણઝારા કહ્યું કે, આટલા વર્ષોથી અહીં રહીએ છીએ.અમારે ત્રણથી ચાર વાર નોટિસો આવી

ગઈ છે. હવે અમારા છાપરાં તૂટી જાય તો અમે જઈએ ક્યાં, તમે વોટિંગ માટે તો બધા આવો જ છો, તો એની જવાબદારી કોણ લેશે?તમે સનદ આપો અથવા અમને કહી દો પાકું. અથવા અન્ય જગ્યાએ અમને વસાહત બનાવી આપો. ભાજપના 10 વર્ષના શાસનમાં વોર્ડ નંબર 2ની ઘોર ઉપેક્ષા- સૂર્યસિંહ ડાભી આ અંગે વોર્ડ 2 કોગ્રેસ ઉમેદવાર સુર્યસિંહ ડાભીએ કહ્યું કે,છેલ્લા 10 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વોર્ડ નંબર 2માં ઘોર ઉપેક્ષા થઈ રહી છે. પેથાપુર

ગામ જે રીતે હતું, મહાનગરની પ્રવેશ પહેલાં એવું ને એવું જ પેથાપુર છે. વોર્ડની જે મુખ્ય સમસ્યાઓ પાણી અને ગટરની છે.આજની તારીખે પણ આદિવાડા ગામના લોકોને મકાનની સનદો પણ મળી નથી. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનને અને નીતિને કારણે અને તોડજોડની નીતિને કારણે હંમેશા ભાજપ અહીંયા હારે જ છે.કોંગ્રેસ જીતે જ છે. કેટલાક કોંગ્રેસના આગેવાનોને તોડી નાખીને, મરોડી નાખીને કે લોભ લાલચ પ્રલોભનથી ભાજપમાં લઈ જાય છે અને સત્તા હસ્તગત કરી લે છે.

Leave a Reply

Related Post