સાહેબ મિટિંગમાં છે: બોલો, સરકારને 16 વર્ષે ખબર પડી કે 2 અધિકારી નકામા અને ભ્રષ્ટાચારી છે!, IAS માટે સચિવાલયમાં બનાવાયેલા 'શોર્ટકટ રસ્તા'ની ચર્ચા

સાહેબ મિટિંગમાં છે:બોલો, સરકારને 16 વર્ષે ખબર પડી કે 2 અધિકારી નકામા અને ભ્રષ્ટાચારી છે!, IAS માટે સચિવાલયમાં બનાવાયેલા 'શોર્ટકટ રસ્તા'ની ચર્ચા
Email :

ન્યુ ગુજરાતના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... IAS અધિકારી માટે સચિવાલયમાં ‘શોર્ટકટ’! નવા સચિવાલયના બ્લોક નંબર-7માં બેસતા એક IAS અધિકારીને બ્લોક નંબર-1માં દિવસમાં અનેક વખત જવાનું થતું હોવાથી હવે બંને બ્લોક વચ્ચે જ ‘શોર્ટકટ’ ઊભો થઈ ગયો હોવાની ચર્ચા સચિવાલયમાં છે. કહેવાય છે કે અધિકારીને વારંવાર લિફ્ટમાં નીચે ઊતરીને બીજી બિલ્ડિંગમાં જવું ન પડે તે માટે બ્લોક-7 અને બ્લોક-1 વચ્ચેની દિવાલમાં દરવાજો જ મુકાવી દેવામાં આવ્યો છે. સામાન્ય કર્મચારી માટે એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં જવા માટે જે વ્યવસ્થા છે, તેની સામે એક અધિકારી માટે સીધો રસ્તો બની જતાં સચિવાલયના વર્તુળોમાં પણ આ ‘ખાસ દરવાજા’ની ચર્ચા શરૂ થઈ છે. હવે સવાલ એ

છે કે આ દરવાજો ખરેખર કામની સરળતા માટે બનાવાયો છે કે પછી VVIP લેવલની સુવિધાનો નવો દાખલો છે? સરકારને 16 વર્ષે ખબર પડી કે બે IAS અધિકારી નકામાં અને ભ્રષ્ટાચારી છે ગત ગુરુવારે ગુજરાત સરકારે એક સાથે બે IAS અધિકારીને ફરજીયાત નિવૃત્ત કરી દીધા. જેને લઈને બ્યુરોક્રેટ્સમાં તેમજ રાજકીય આગેવાનો નેતાઓમાં જાતજાતની ચર્ચા શરુ થઈ છે. અનેક સિનિયર IAS અધિકારીઓ કટાક્ષમાં કહે છે કે, આ બે અધિકારીઓ નકામાં અને ભ્રષ્ટાચારી છે એવી સરકારને છેક 16 વર્ષ પછી ખબર પડી. વાસ્તવિકતા એ છે કે, આજે પણ તંત્રમાં એવા કેટલાક અધિકારીઓ છે કે, જેઓ ધૂમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. શું સરકારને તેની ખબર નથી?, શા માટે તેમની હકાલપટ્ટી નથી કરાતી? બે IASને કાઢી મુકવા અંગે સરકાર એવો વાહીયાત બચાવ કરી રહી છે કે, દર 15 વર્ષે

IAS અધિકારીઓના કામનો રીવ્યુ થાય છે. આ રીવ્યુમાં બન્ને સાવ નકામાં હોવાનુ જણાઈ આવ્યુ છે. બ્યુરોક્રેટસમાં ગણગણાટ છે કે, સરકારે હવે બન્ને અધિકારીઓના CR રીપોર્ટ જાહેર કરવા જોઈએ જેથી ખબર પડે કે વાસ્તવિકતા શું છે? ભાજપની પત્રિકાએ મચાવ્યો ખળભળાટ, મંત્રીને યુવાનોએ ઘેર્યા! ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપના સંગઠનમાં ટિકિટની વહેંચણીને લઈને અંદરખાને ચાલી રહેલો અસંતોષ હવે ધીમે ધીમે બહાર આવતો હોવાની ચર્ચા છે. ભાજપની એક પત્રિકા ફરતી થતાં જ નેતાઓમાં ખળભળાટ મચ્યો હોવાની વાત છે. એવામાં સ્ટાર પ્રચારક તરીકે જવાબદારી સંભાળતા એક યુવા મંત્રી પ્રચાર માટે પહોંચ્યા ત્યારે આશરે 15 જેટલા યુવાનોએ તેમને ઘેરી લઈને ટિકિટને લઈને રજૂઆત કરી હતી. મામલો વધુ ગરમાય તે પહેલાં એક ધારાસભ્ય સ્થળ પર પહોંચ્યા અને સ્થિતિ થાળે પાડી હતી. ત્યારબાદ મોડી રાત સુધી મંત્રી અને ધારાસભ્યની બેઠક

ચાલી અને અસંતુષ્ટોને સમજાવવાના પ્રયાસો થયા હોવાની ચર્ચા છે. હવે ભાજપના નેતાઓ માટે સૌથી મોટો સવાલ એ છે કે સંગઠનના મનાવવાના પ્રયાસોથી અસંતોષ ખરેખર શાંત થયો છે કે પછી તેની અસર મતદાનના દિવસે અને પરિણામમાં જોવા મળશે? ભાજપના કાર્યકર્તાનો અસંતોષ, પણ ‘બોલવાની ના પાડી છે’ ભાજપમાં ટિકિટની વહેંચણી બાદ અસંતોષના અનેક કિસ્સા ચર્ચામાં છે, પરંતુ ગાંધીનગરમાં એક કાર્યકર્તાનો કિસ્સો હાલ અલગ જ પ્રકારની ચર્ચા જગાવી રહ્યો છે. ટિકિટ ન મળતાં કાર્યકર્તાએ સોશિયલ મીડિયા પર પોતાનો બળાપો કાઢ્યો હતો. જોકે, વાત ટોચના નેતા સુધી પહોંચતા તેમને સાનમાં સમજાવી દેવામાં આવ્યા હોવાનું કહેવાય છે કે હવે સોશિયલ મીડિયા કે મીડિયામાં કોઈ નિવેદન આપવું નહીં. ત્યારબાદ કાર્યકર્તા એકદમ શાંત થઈ ગયા. હવે કોઈ તેમને આ મુદ્દે પૂછે તો તેમનો જવાબ પણ રસપ્રદ હોય છે, ‘મને બોલવાની ના

પાડી છે.’ એટલે સવાલ એ છે કે આને ભાજપ સામેનો વિરોધ માનવો કે પછી નેતાના એક ઈશારે કાર્યકર્તાનો અસંતોષ ‘મૌન’માં ફેરવાઈ ગયો? ચૂંટણીનું પરિણામ જ બતાવશે કે આ મૌન પાછળ ખરેખર મનાવટ છે કે માત્ર મનમાં રહેલો બળાપો! વાયબ્રન્ટ સમિટને આડે હવે ઓછો સમય છતા ઈન્ડેક્સ બીના MDને શા માટે હટાવ્યા? વાયબ્રન્ટ સમિટની મહત્વની જવાબદારી ઈન્ડેક્સ બીના એમડી કેયુર સંપટ સંભાળતા હતા. તેઓ આગામી ડીસેમ્બરમાં વયનિવૃત્ત થવાના હતા. સરકારે તેમની નિમણૂક જીપીએસસીના સભ્ય તરીકે કરી દીધી છે. જ્યારે તેમનો ચાર્જ કોઈ અન્ય અધિકારીને આપ્યો છે. જેથી હવે વાયબ્રન્ટ સમિટ માટે કોઈ નવા અધિકારીને શોધવા પડશે. સમિટને આડે હવે માત્ર ત્રણ મહીનાનો સમય બચ્યો છે ત્યારે ઈન્ડેક્સ બીના એમડીને હટાવવાની સરકારને કેમ જરુર પડી તે પ્રશ્ન પણ સચિવાલયમાં ચર્ચાઈ રહ્યો છે. એવી ચર્ચા પણ શરુ

થઈ છે કે, દિલ્હીથી આવેલા સિનિયર IAS અધિકારી અજય ભાદુને સરકારે સચિવાલયની બહાર રાખ્યા છે એટલે કે, તેમને જીએમડીસીના એમડી બનાવ્યા છે પરંતુ કદાચ તેમને વાઈબ્રન્ટ સમિટની કોઈ મહત્વની જવાબદારી પણ મળી શકે છે. હવે કોઈ અધિકારી મંત્રી કે ટોચના અધિકારીની મૌખિક સૂચના કે આદેશનું પાન નહીં કરે! સરકારે બે ડાયરેક્ટ IAS અધિકારીઓની એકાએક જ હકાલપટ્ટી કરી દેતા બ્યુરોક્રેટસમાં તેના ગંભીર પડઘા પડ્યા છે. સિનિયર IAS અધિકારીઓ એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છે કે, આપણે અત્યાર સુધી ટોચના અધિકારી કે મંત્રીઓની લેખિત સૂચનાઓ કે આદેશોનુ પાલન કરતા આવ્યા છીએ.પરંતુ ભુતકાળમાં પણ આ રીતે કામ કરનારા કેટલાક અધિકારીને તકલીફો થઈ હતી એ સમયે તેમને કોઈએ મદદ કરી નહોતી. માટે હવે પછીથી આપણે સાવધાન થઈ જવુ પડશે. જો કોઈ ટોચના અધિકારી કે મંત્રી રુબરુમાં કે ફોન

પર કોઈ કામ માટે મૌખિક સૂચના આપે તો જલ્દીથી તેનુ પાલન કરવુ નહી. ગોળ ગોળ ફેરવીને સમય પસાર કરી દેવો. વધુ દબાણ કરે તો તેમની પાસેથી લેખિતમાં સૂચના લઈને પછી જ આગળ વધવુ. આ ચર્ચા મુજબ જો અધિકારીઓ આ પધ્ધતિ અપનાવી દેશે તો સરકાર માટે પણ મુશ્કેલી ઉભી થશે. અમદાવાદ મનપાના ભાજપના કોર્પોરેટરો ગાંધીનગર ચૂંટણીમાં વ્યસ્ત વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી ભાજપને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર માટે અમદાવાદથી કોર્પોરેટરોને ગાંધીનગર બોલાવવા પડ્યા છે. અમદાવાદના તમામ કોર્પોરેટરો અને હોદ્દેદારોને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે જેથી ભાજપના કોર્પોરેટરોએ સવારે અથવા સાંજે બેથી ત્રણ કલાક ગાંધીનગર ડોર ટુ ડોર પ્રચારમાં જવું પડે છે. અમદાવાદમાં જ પોતાના મત વિસ્તારમાં પ્રજાની સમસ્યા ન જોનારા કોર્પોરેટરોને ગાંધીનગર સુધી ધક્કા ખાવા પડ્યા છે. કોર્પોરેટરોમાં ચર્ચા છે કે મ્યુનિસિપલ

કોર્પોરેશનના કામો મૂકીને ગાંધીનગરમાં પ્રચાર કરવા જવું પડે છે. સામાન્ય લોકો માટે પાસ, કોન્ટ્રાક્ટ, બિલ્ડરોને છૂટ! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતેની મુખ્ય ઓફિસમાં જે કોઈપણ મુલાકાતીઓ આવતા હોય છે તેવા લોકોને પાસ આપી અને જે તે અધિકારી અથવા નેતાની કેબિનમાં મોકલવામાં આવે છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બિલ્ડરો અને અધિકારીઓના ખાસ માણસોને પાસ લેવાની જરૂર હોતી નથી તેઓ સીધા અધિકારીની કેબિનમાં જતા રહે છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાસ મેળવ્યા બાદ જ કોઈપણ મુલાકાતીને જે તે અધિકારી અથવા નેતા પાસે જવાનું હોય છે. પરંતુ કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો અને તેમના લાગતા વળગતા લોકો કોઈપણ એન્ટ્રી કરાવ્યા વિના સીધા અધિકારીઓને મળવા માટે પહોંચી જાય છે. કોર્પોરેશનની મુખ્ય ઓફિસમાં નિયમ તમામ માટે સરખા છે પરંતુ અધિકારીઓ અને નેતાઓના વ્હાલા કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો માટે નિયમો લાગતા નથી એવી ચર્ચા કોર્પોરેશનમાં જાગી

છે. IAS અધિકારી પોતાના જ વિભાગની કામગીરીથી અજાણ હોવાની ચર્ચા ગુજરાતના એક IAS અધિકારી લાખો રૂપિયાનો પગાર લે છે પરંતુ આ અધિકારીને તેમની જવાબદારીને લઈને તેમના સિનિયર IASએ શીખવાડવું પડે છે તેવી સ્થિતિ ઊભી થઈ છે. અમદાવાદમાં ફરજ બજાવતા અધિકારીને તેમના વિભાગની શું જવાબદારીઓ છે અને તેમના વિભાગમાં શું ચાલી રહ્યું છે તેને લઈને તેમના સિનિયર અધિકારીએ પૂછ્યું હતું ત્યારે તેમને તેમના વિભાગની માહિતી નહોતી. અમદાવાદ જેવા સૌથી મોટા શહેરમાં મહત્વના વિભાગોની જવાબદારી પણ આ અધિકારીના સોંપવામાં આવી છે. પરંતુ માત્ર એસી ઓફિસમાં બેસી અધિકારીને કામગીરી કરવાની ટેવ પડી ગઈ છે. અનેક વિવાદો તેમના વિભાગના સામે આવે છે છતાં પણ આ અધિકારીને કોઈ ગંભીરતા ના હોય એવી ચર્ચા જાગી છે આ અધિકારીને ક્યાં ગાંધીનગરના અધિકારી અને ભાજપના નેતાના આશીર્વાદ છે એવી ચર્ચા જાગી છે.

Leave a Reply

Related Post