Navratri 2026 : ઉપવાસમાં બનાવો એકદમ છૂટી, દાણાદાર અને સોફ્ટ સાબુદાણા ખીચડી

Navratri 2026 : ઉપવાસમાં બનાવો એકદમ છૂટી, દાણાદાર અને સોફ્ટ સાબુદાણા ખીચડી
Email :

સાબુદાણા માત્ર નવરાત્રિ જ નહીં પણ દરેક ઉપવાસમાં સૌથી વધુ ખાવામાં આવતો લોકપ્રિય અને પૌષ્ટિક આહાર છે. સાબુદાણાની ખીચડી સ્વાદિષ્ટ હોવાની સાથે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. શેકેલી મગફળીનો કરકરો સ્વાદ, મરચાંની તીખાશ અને લીંબુની ખટાશ તેને ખાસ બનાવે છે. પરંતુ ઘણીવાર યોગ્ય રીત ખબર ન હોવાને કારણે ખીચડી એકબીજા સાથે ચોંટી જાય છે અને ચીકણી બની જાય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય, તો અહીં એકદમ છૂટી અને દાણાદાર (ફ્લફી) સાબુદાણા ખીચડી બનાવવાની સરળ ટિપ્સ આપેલી છે.

સોફ્ટ સાબુદાણા ખીચડી બનાવવાની પરફેક્ટ રીત

1. સાબુદાણાને યોગ્ય રીતે ધોવા

સાબુદાણાને પલાળતા પહેલા ઓછામાં ઓછા 3 થી 4 વાર સ્વચ્છ પાણીથી ધોવા ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી સાબુદાણામાંથી નીકળતું પાણી એકદમ સાફ ન દેખાય ત્યાં સુધી તેને હળવા હાથે ધોવો. આનાથી સાબુદાણાની ઉપર જમા થયેલો વધારાનો સ્ટાર્ચ નીકળી જાય છે, જે ખીચડીને ચીકણી થતી અટકાવે છે

2. પલાળવા માટે પાણીનું યોગ્ય માપ

સાબુદાણા પલાળતી વખતે વાસણમાં વધુ પડતું પાણી ન ઉમેરો. સાબુદાણા ડૂબે તેનાથી સહેજ જ ઉપર પાણી રહે તેટલું જ માપ રાખવું જોઈએ. જો પાણીનું પ્રમાણ વધી જશે, તો સાબુદાણા વધુ પડતું પાણી શોષી લેશે અને નરમ તથા ચીકણા થઈ જશે, જેનાથી ખીચડી છૂટી નહીં બને.

3. પલાળવાનો અને સૂકવવાનો સાચો સમય

સાબુદાણાને ઓછામાં ઓછા 4 થી 6 કલાક સુધી પલાળી રાખવા જોઈએ. સાબુદાણા બરાબર ફૂલી જાય ત્યારબાદ ખીચડી બનાવતા 15 થી 20 મિનિટ પહેલા તેને એક ચાળણી કે ઓસામણિયામાં કાઢી લો, જેથી બાકી રહેલું વધારાનું પાણી નિતરી જાય. વઘારતા પહેલા સાબુદાણા હાથથી સ્પર્શ કરતા પોચા અને ઉપરથી સૂકા હોવા જોઈએ.

4. મગફળીના પાવડરનો આ રીતે કરો ઉપયોગ

શેકેલી મગફળીનો કરકરો પાવડર તૈયાર કરો. સાબુદાણાને કડાઈમાં ઉમેરતા પહેલા જ તેમાં મગફળીનો પાવડર, સ્વાદાનુસાર મીઠું (સિંધવ મીઠું) અને થોડી ખાંડ બરાબર મિક્સ કરી લો. મગફળીનો પાવડર સાબુદાણામાં રહેલા વધારાના ભેજને શોષી લે છે, જેનાથી દાણા એકબીજા સાથે ચોંટતા નથી અને ખીચડી એકદમ છૂટી બને છે.

5. રાંધવાની સાચી પદ્ધતિ

એક કડાઈમાં શુદ્ધ ઘી ગરમ કરી તેમાં જીરું, લીલા મરચાં અને બાફેલા બટાકાના ટુકડા ઉમેરીને સાંતળી લો. હવે તેમાં મગફળીવાળું સાબુદાણાનું મિશ્રણ ઉમેરો. સાબુદાણા ઉમેર્યા પછી તેને વધુ તાપ પર કે સતત હલાવવાનું ટાળો. કડાઈને ઢાંકીને ધીમા તાપે માત્ર 2 થી 3 મિનિટ માટે જ ચડવા દો. જેવા સાબુદાણાના દાણા થોડા પારદર્શક (ટ્રાન્સપરન્ટ) દેખાવા લાગે કે તરત જ ગેસ બંધ કરી દો. તમારી એકદમ પરફેક્ટ અને સોફ્ટ સાબુદાણાની ખીચડી તૈયાર છે, જેને તમે દહીં કે રાયતા સાથે પીરસી શકો છો.

આ પણ વાંચો : Glowing Skin Tips: ચહેરો કાચ જેવો ચમકશે, માત્ર આ એક વસ્તુથી બનાવ ફેસ વોટર

Leave a Reply

Related Post