Health Tips: નાભિ, પગના તળિયા અને આંખો પર ઘી લગાવો છો તો પહેલા જાણીલો તેના ફાયદા સાથે નુકસાન પણ…

Health Tips: નાભિ, પગના તળિયા અને આંખો પર ઘી લગાવો છો તો પહેલા જાણીલો તેના ફાયદા સાથે નુકસાન પણ…
Email :

ભારતીય સંસ્કૃતિ અને જીવનશૈલીમાં દેશી ઘીનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. સદીઓથી લોકો તેનો ઉપયોગ માત્ર પૌષ્ટિક આહાર તરીકે જ નહીં, પરંતુ ત્વચાની સંભાળ અને વિવિધ ઘરેલું ઉપચારોમાં પણ કરતા આવ્યા છે. સામાન્ય રીતે લોકો સૂતી વખતે પગના તળિયા પર, નાભિમાં અથવા તો પોપચા અને પાંપણ પર દેશી ઘી લગાવતા હોય છે. જો કે, આ પરંપરાગત ઉપાયો ખરેખર કેટલા અસરકારક છે અને શું તે ફાયદાકારક સાબિત થાય છે કે પછી નુકસાન પહોંચાડી શકે છે? આવો જાણીએ નિષ્ણાંતનો અભિપ્રાય

શું ખરેખર નાભિ અને તાળવે ઘી લગાવવાથી થાય છે ફાયદા

ન્યુટ્રિશિયનના મત પ્રમાણે દરેક પરંપરાગત ઉપાય પાછળ વૈજ્ઞાનિક પુરાવા હોય તે જરૂરી નથી, તેથી લોકોએ સાચી માહિતીથી માહિતગાર થવું જોઈએ. ઉદાહરણ તરીકે, ઘણા લોકો માનસિક શાંતિ અને સારી ઊંઘ માટે રાત્રે તળિયા પર ઘી લગાવે છે. આનાથી શુષ્ક અને ફાટેલી ત્વચામાં મોઇશ્ચરાઇઝર તરીકે રાહત મળી શકે છે, કારણ કે ઘી ત્વચા પર એક રક્ષણાત્મક પડ બનાવે છે. પરંતુ, તેનાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે કે શરીરની આંતરિક ગરમી ઘટે છે તેવા કોઈ મજબૂત વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી.

નાભિ પર ઘી લગાવવાની માન્યતા પ્રચલિત

આ જ રીતે, પાચન સુધારવા કે હોર્મોનલ સંતુલન માટે નાભિ પર ઘી લગાવવાની માન્યતા પ્રચલિત છે, જેને વિજ્ઞાન સમર્થન આપતું નથી. જો ત્વચા શુષ્ક હોય, તો સીધા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે. વળી, નાના ઘા કે દાઝી ગયેલી ત્વચા પર રસોડાના ઘીનો ઉપયોગ કરવાનું સખત ટાળવું જોઈએ, કારણ કે તેનાથી ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે. દાઝી જવા પર ૨૦ મિનિટ સુધી ઠંડુ વહેતું પાણી રેડવું શ્રેષ્ઠ ઉપાય છે.

આંખોની આસપાસ લગાવતા રાખો આ સાવધાની

આંખોની આસપાસ કે પોપચા અને પાંપણ પર ઘી લગાવવા અંગે પણ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. ઘી લગાવવાથી પાંપણનો વિકાસ થાય છે કે દ્રષ્ટિ સુધરે છે તે વાત વૈજ્ઞાનિક રીતે સાબિત નથી થઈ. ઉલ્ટાનું, આંખની નજીક ઘી લગાવવાથી ત્યાંની ગ્રંથિઓ બ્લોક થઈ શકે છે અને ચેપ (ઇન્ફેક્શન) થવાનું જોખમ ઉભું થઈ શકે છે.

ડોક્ટરની સલાહ લેવી આવશ્યક

નિષ્ણાતો સલાહ આપે છે કે સંતુલિત આહારમાં દેશી ઘીનો મર્યાદિત ઉપયોગ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, પરંતુ ત્વચા કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં પરંપરાગત ઉપાયોને ડૉક્ટરી સારવારના વિકલ્પ તરીકે ન અપનાવવા જોઈએ. કુદરતી હોવાનો અર્થ એ નથી કે દરેક ચીજ હાનિકારક સાબિત ન થઈ શકે.

આ પણ વાંચોઃ વિન્ટરમાં આ 5 ફૂલ રાખશે ત્વચાને સુંદર અને સ્વસ્થ

Leave a Reply

Related Post