Sarva Pitru Amavasya 2026: પૂર્વજોની તિથિ યાદ નથી? સર્વપિતૃ અમાસના દિવસે કરી શકો છો શ્રાદ્ધ

Sarva Pitru Amavasya 2026: પૂર્વજોની તિથિ યાદ નથી? સર્વપિતૃ અમાસના દિવસે કરી શકો છો શ્રાદ્ધ
Email :

ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસે પૂર્ણિમા શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આસો મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિથી પિતૃ પક્ષનો પ્રારંભ થયો છે. આ દિવસે પ્રતિપદા શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું. હવે પિતૃ પક્ષ દરમિયાન તિથિ અનુસાર લોકો પોતાના પૂર્વજોના શ્રાદ્ધ અને તર્પણ કર્મ કરી શકે છે. પિતૃ પક્ષનું સમાપન સર્વપિતૃ અમાવસ્યાના દિવસે થાય છે. આ દિવસ તમામ તિથિઓના શ્રાદ્ધ માટે વિશેષ મહત્વ ધરાવે છે. જો કોઈ વ્યક્તિને પોતાના પૂર્વજના અવસાનની ચોક્કસ તિથિ યાદ ન હોય, તો સર્વપિતૃ અમાવસ્યાના દિવસે તેમનું શ્રાદ્ધ કરી શકાય છે.

સર્વપિતૃ અમાસ 2026 ક્યારે છે?

આસો મહિનાની અમાસ તિથિનો પ્રારંભ 9 ઓક્ટોબર 2026, શુક્રવારની રાત્રે 9 વાગ્યાને 35 મિનિટે થશે. આ તિથિ 10 ઓક્ટોબર 2026ની રાત્રે 9 વાગ્યાને 19 મિનિટે પૂર્ણ થશે. શ્રાદ્ધ માટેના મુહૂર્તને ધ્યાનમાં રાખીને અમાવસ્યા તિથિ 10 ઓક્ટોબરે માન્ય રહેશે. આ દિવસે સર્વપિતૃ અમાવસ્યાની ઉજવણી કરવામાં આવશે.

સર્વપિતૃ અમાસ પિતૃઓના તર્પણ અને શ્રાદ્ધ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના પૂર્વજોને યાદ કરીને તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને અન્ય ધાર્મિક વિધિઓ કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર, પૂર્વજોના આશીર્વાદથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.

સર્વપિતૃ અમાસ 2026 શ્રાદ્ધ મુહૂર્ત

સર્વપિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ માટે વિવિધ સમયગાળા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે કુતુપ મુહૂર્ત, રોહિણ મુહૂર્ત અને અપરાહ્ન કાળમાં શ્રાદ્ધ કર્મ કરી શકાય છે.

કુતુપ મુહૂર્ત: બપોરે 11:00થી 11:47 વાગ્યા સુધી

રોહિણ મુહૂર્ત: બપોરે 11:47થી 12:34 વાગ્યા સુધી

અપરાજીત કાળ : બપોરે 12:34થી 2:55 વાગ્યા સુધી

જો કોઈ વ્યક્તિ અન્ય તિથિએ પૂર્વજનું શ્રાદ્ધ ન કરી શકી હોય, તો સર્વપિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કરી શકાય છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે કરવામાં આવતું શ્રાદ્ધ પરિવારના તમામ પૂર્વજો માટે સમર્પિત કરી શકાય છે.

સર્વપિતૃ અમાસનું મહત્વ

સર્વપિતૃ અમાસનું ધાર્મિક પરંપરામાં વિશેષ મહત્વ છે. ખાસ કરીને જેમને પોતાના પૂર્વજોના અવસાનની તિથિની જાણ નથી, તેઓ આ દિવસે શ્રાદ્ધ કરી શકે છે. આ દિવસે પૂર્વજોને અર્પણ કરવામાં આવે છે અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.

શ્રાદ્ધના દિવસે ભોજન બનાવીને બ્રાહ્મણોને ભોજન કરાવવાની પરંપરા છે. આ ઉપરાંત પંચબલિ કર્મનું પણ મહત્વ માનવામાં આવે છે. તેમાં ગાય, કીડી, કૂતરા, કાગડા અને દેવતાઓ માટે ભોજન અર્પણ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ રીતે પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે.

આ રીતે સર્વપિતૃ અમાસ પિતૃ પક્ષના સમાપનનો દિવસ હોવા સાથે પૂર્વજોને યાદ કરવા, તેમના માટે તર્પણ અને શ્રાદ્ધ કરવા તથા તેમની શાંતિ માટે પ્રાર્થના કરવાનો મહત્વપૂર્ણ અવસર છે.

આ પણ વાંચો: Dussehra 2026: દશેરા પર આ વખતે બનશે ખાસ સંયોગ! જાણો વિજય મુહૂર્ત, પૂજા વિધિ અને રાવણ દહનનો સમય

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)

Leave a Reply

Related Post